શહેરમાં નવાગામમાં મામાવાડી પાસે બે દિવસ પહેલા ગાયે ઢીંક મારતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા તેના પરિવારમા શોક છવાયો છે. થોડા દિવસો પૂર્વે શાપરમાં રખડતા શ્વાને સાત વર્ષના બાળકને બચકા ભરી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવને પગલે વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ નવાગામમાં મામાવાડીમાં રહેતા હીરાભાઇ રૂખડભાઇ મેવાડા (ઉ.90) નામના વૃદ્ધ બુધવારે તેના ઘર પાસે હતા ત્યારે અચાનક ધસી આવી ગાયે ઢીંક મારતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું બે દિવસની સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધ પાંચ ભાઇમાં વચેટ હોવાનું અને નિવૃત્ત જીવન જીવતા હોવાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
શાપર વેરાવળમાં સાતેક દિવસ પૂર્વે કારખાનાની ઓરડીમાં રહેતો સાત વર્ષનો આયુષ અજીતકુમાર યાદવ તેના ઘર પાસે રમતો હતો ત્યારે રખડતા પાંચ શ્વાનોએ ઘેરી લઇને બચકાં ભરી લેતા તેને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું. બનાવને પગલે લોકોમાં રખડતા ઢોર અને શ્વાનથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.