રાજકોટ રેલવે ડિવિઝનની બે જોડી ટ્રેનને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પડધરી નજીક નં.263ના બ્રિજની કામગીરી કરવામાં આવનાર હોવાથી તા.7થી તા.9 જૂન વચ્ચે કામગીરીમાં વિક્ષેપ ન પડે તેમજ મુસાફરો પરેશાન ન થાય તે માટે નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું છે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનમાં 19209 અને 19210 નંબરની (બંને તરફની) ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેમજ 09480 અને 09479 નંબરની રાજકોટ-ઓખા લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન તા.7 અને તા.8ના ભાવનગરથી ઉપડી સુરેન્દ્રનગર સ્ટેશન સુધી જશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે ટ્રેન આંશિક રદ રહેશે. જ્યારે રાજકોટ-ઓખા લોકલ ટ્રેન તા.7 અને તા.8ના હાપાથી ઓખા વચ્ચે જ દોડશે. હાપાથી રાજકોટ વચ્ચે આંશિક રીતે ટ્રેન રદ રહેવાની હોવાનું જણાવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સૂત્રના જણાવ્યા મુજબ, પોરબંદરથી તા.8 અને તા.15ના રોજ ઉપડતી ટ્રેન નંબર 20937 દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાઇવર્ટ કરાયો છે. આ ટ્રેન તેના નિર્ધારિત મારવાડ-અજમેર-ફૂલેરા-જયપુર-અલવર-રેવાડી રૂટને બદલે ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવશે.