શહેરમાં માદક પદાર્થના વેપલા અટકાવવાના પોલીસના અભિયાન વચ્ચે આેડિશાથી ગાંજાની ડિલિવરી કરવા આવેલા શખ્સને માહિતીને આધારે એસઓજીની ટીમે અક્ષરમાર્ગ પાસેના ગૌતમનગરમાંથી રૂ.79350ની કિંમતના 7.935 કિ.ગ્રા.ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. માલવિયાનગર પોલીસે શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ.85 હજારની મતા કબજે કરી તેની પૂછતાછ કરતા તે ઓડિશાથી ગાંજો રાજકોટમાં વેચવા માટે આવ્યો હતો અને ડિલિવરી કરે તે પહેલાં પોલીસે પકડી લીધાનું રટણ કરતા પોલીસે ગાંજો મગાવનાર રાજકોટનો શખ્સ કોણ ? સહિતની પૂછતાછ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષરમાર્ગ પર ગૌતમનગરમાં માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા તે ઓડિશાના બલનગીર જિલ્લાના ગણપતરાપાલી ગામે રહેતો તરની અબેલ સુના હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેના થેલામાંથી 7.935 કિ.ગ્રા.ગાંજાનો જથ્થો મળી આવતા માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપી તરનીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ.85 હજારની મતા કબજે કરી તેની પૂછતાછ કરતા તે ઓડિશાથી રાજકોટમાં ગાંજો વેચવા માટે આવ્યો હતો અને રાજકોટના શખ્સને ડિલિવરી કરે તે પહેલાં જ પકડાઇ ગયાનું અને રાજકોટમાં પહેલીવાર ગાંજાની ડિલિવરી કરવા આવ્યો હોવાની રટણ કરતા પોલીસે વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.