નર્સિંગના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ-એટેકથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાર્ટ-એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આણંદ તાલુકાના બાકરોલ સ્થિત કોલેજમાં નર્સિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતા 20 વર્ષીય યુવકને હાર્ટ-એટેક આવતાં આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જોકે ત્યાં કાર્ડિયોલોજીની સુવિધા જ ન હોવાથી વિદ્યાર્થીને કરમસદની હોસ્પિટલમાં રીફર કરવા માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં રસ્તામાં જ આ તેણે દમ તોડ્યો હતો.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામનો 20 વર્ષીય પીયૂષ ચૌહાણ નામનો યુવક છેલ્લાં બે વર્ષથી આણંદ તાલુકાના બાકરોલ સ્થિત વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો હતો. આ પીયૂષ ચૌહાણ ગત રોજ હોસ્ટેલમાં હાજર હતો. એ વખતે અચાનક તેને છાતીમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. પીયૂષે આ અંગેની જાણ પોતાના મિત્રોને કરી હતી, જેથી મિત્રો તરત જ તેને રિક્ષામાં બેસાડીને આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા પીયૂષને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી સહિતની અન્ય જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટની સુવિધા ન હોવાને કારણે તેને વધુ સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જોકે કરમસદ હોસ્પિટલમાં પહોંચતાં પહેલાં જ આ પીયૂષે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પીયૂષનાં પરિવારજનો તેમજ વિદ્યાર્થીઆલમમાં ભારે શોક વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે આણંદની જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સુવિધા હોત તો કદાચ વિદ્યાર્થીનો જીવ બચી શકત.

આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.અમર પંડ્યાએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઊપડ્યો હોવાથી તેના મિત્રો અહીં જનરલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. એ વખતે આ વિદ્યાર્થીની હાલત ખૂબ જ ગંભીર હતી. આ દર્દીને અહીં સી.પી.આર. તેમજ એટેકની દવા આપવામાં આવી હતી. જોકે આ દર્દીને આઈસીયુ અને કાર્ડિયોલોજીની ખાસ જરૂર હતી, પરંતુ જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સુવિધા ન હોવાથી આ દર્દીને કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં રીફર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *