રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આજે NSUI દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ આ યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ તો હવે આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીના અશ્લીલ વીડિયો મામલે વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલી મારામારીના વીડિયો વાઇરલ થતાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામા આવ્યો હતો. આ વખતે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને યુનિવર્સિટીના ગેટ પર ચડી જતાં પોલીસે તેમની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી સતત વિવાદોમાં રહે છે. અગાઉ આ યુનિવર્સિટીમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. એ બાદ ભીનું સંકેલાઈ ગયું હતું. તાજેતરમાં જ આંધ્રપ્રદેશની 1 વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય વિદ્યાર્થિનીએ તેના બોયફ્રેન્ડને મોકલવાની ઘટનામાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આખી યુનિવર્સિટી પર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો કોઈ જ કંટ્રોલ નથી, જેથી અમે અહીં વિરોધ કરવા માટે આવ્યા છીએ. આગામી સમયમાં જરૂર પડ્યે આ યુનિવર્સિટીના સંચાલકોનાં ઘરનો ઘેરાવ કરતાં પણ અટકીશું નહીં.