NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (સૌરાષ્ટ્ર યુનિ.)ના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને આવેદનપત્ર સુપ્રત કરી એક મહત્ત્વની રજૂઆત કરી છે. તેમણે વર્ષ 2019-20 દરમિયાન સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક વિશેષ તક આપવાની માંગ કરી છે. નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા વર્ષ 2011થી 2018ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એક સકારાત્મક નિર્ણય હતો અને તેનાથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા મળી છે. આ જ અભિગમને આગળ વધારતા, કોરોના મહામારી અને અન્ય આર્થિક-સામાજિક પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત 2019-20ના વિદ્યાર્થીઓને પણ આ તક મળવી જોઈએ. માત્ર એક-બે વિષયમાં નાપાસ થવાના કારણે આ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે અથવા નોકરી-ધંધામાં મુશ્કેલી અનુભવે છે. આ વિશેષ પરીક્ષાનું આયોજન થવાથી આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ખુલ્લો થશે. ત્યારે NSUIએ આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવા યુનિવર્સિટી સમક્ષ માંગ કરી છે.
અન્ય સમાચાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટીનું આયોજન સરદાર પટેલ સ્ટેચ્યુ. બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે સવારે 7 કલાકે કરવામાં આવ્યું છે. ‘રન ફોર યુનિટી’ની શરૂઆત પીએમ મોદીએ વર્ષ 2014માં 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી નિમિતે કરાવી હતી. આ દિવસ હવે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી યોજાતો આ કાર્યક્રમ 550થી વધુ રજવાડાઓને આધુનિક ભારતમાં વિલય કરીને એક ભારત-શ્રેસ્ઠ ભારતની સ્થાપના કરવામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાને સન્માન આપવા માટે યોજાય છે. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના મેચર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ પરસોત્તમ રૂપાલા, રામ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા તેમજ જિલ્લાના ધારાસભ્યો હાજર રહેશે.