સુભાષ ઘઈએ બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે જેકી શ્રોફ અને મહિમા ચૌધરી જેવા ઘણા સ્ટાર્સને પણ લોન્ચ કર્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મો બનાવી રહ્યા નથી. તાજેતરમાં સુભાષ ઘઈએ આ પાછળનું કારણ જણાવ્યું છે.
સુભાષ ઘઈએ યુટ્યૂબ ચેનલ ‘ગેમ ચેન્જર્સ’ સાથેની વાતચીતમાં ફિલ્મ બનાવવાનું બંધ કરવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું, ‘મેં ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું કારણ કે મને હવે લોકોમાં સિનેમા પ્રત્યેનો પ્રેમ દેખાતો નથી. મારી ટીમમાં પણ હવે મને એ જુસ્સો દેખાતો નથી. તેઓ બધા ફક્ત એક જ કામ કરી રહ્યા છે.’
સુભાષ ઘઈના મતે, હવે વસ્તુઓ વ્યવહારિક બની ગઈ છે અને ક્રિએટિવ વર્ક લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેણે કહ્યું, ‘મેં એક લેખકને એક આઇડિયા આપ્યો અને તેમને સ્ટોરી બનાવવા કહ્યું. આ પછી તેણે મને કહ્યું કે તે તેને 15 દિવસમાં પૂર્ણ કરશે. ત્રણ દિવસ પછી મને પહેલો ડ્રાફ્ટ આપશે અને તેણે તેની આખી ફી અગાઉથી માગી લીધી. મને નવાઈ લાગી અને મેં તરત જ તેને પૂછ્યું, શું તમે રોટલીઓ બનાવી રહ્યા છો? હું આવા વ્યક્તિ સાથે કેવી રીતે કામ કરી શકું?’
સુભાષ ઘઈએ વર્તમાન સમયમાં ફિલ્મો બનાવવાની રીતની પણ ટીકા કરી હતી. તેણે કહ્યું, આજકાલ વાસ્તવિક સર્જનાત્મકતા ક્યાંક ખોવાઈ ગઈ છે. હવે લોકો કહે છે કે મને ફક્ત એક ઇમેઇલ મોકલો, બસ. હવે લોકો વોટ્સએપ પર જ સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ લખે છે.