વાહન માલિકો હવે પોતાના જૂના વાહનનો નંબર નવા વ્હિકલમાં પણ લગાવી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેની શરતો અને નિયમો સાથેનો એક પરિપત્ર બહાર પાડી ગાઈડલાઈન આપી છે. જેમાં જણાવ્યું છે કે, ઘણા વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યૂમેરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે. વાહન માલિકો તેઓના વાહન નંબર સાથે જોડાયેલ લાગણીને કારણે જૂના વાહનોનો નંબર પણ રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે. હવે કોઈપણ વાહન ચાલક પોતાના જૂના વાહનમાં લગાવેલી નંબર પ્લેટનો નંબર જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે તે વાહનનો નંબર લઈ શકશે.
વાહન માલિક જ્યારે વાહનની તબદિલીની અરજી કરે તે સમયે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન નંબર રિટેન્શન | વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન થશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર એલોટ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વાહનને મોટર વ્હિકલ્સ એક્ટ અને રૂલ્સની જોગવાઇઓ અનુસાર સ્ક્રેપ કરવામાં આવશે.