શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન ક્રાઇમ બ્રાંચે માયાણીનગર પાસેના આવાસ યોજનાના ક્વાર્ટર પાસેથી નામચીન શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં તેને બે દિવસ પહેલાં મહિલા પેડલર સુધાનો પુત્ર સાચવવા આપી ગયાનું રટણ કરતાં મારામારી અને ધમકી સહિતના ગુનામાં ફરાર સુધાના પુત્રને પકડી લેવા કાર્યવાહી કરી છે.
માયાણીનગર મેઇન રોડ પર વિશ્વનગર આવાસ યોજના પાસે નામચીન વિપુલ ગેરકાયદે હથિયાર સાથે ઊભો હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ પીઆઇ ડામોરની સૂચનાથી એએસઆઇ ચેતનસિંહ ગોહિલ સહિતની ટીમે વિશ્વનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો નામચીન વિપુલ પ્રવીણભાઇ બગથરિયાની અટકાયત કરી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી હથિયાર કબજે કરી પૂછતાછ કરી હતી. અગાઉ મારામારી, હથિયાર સહિતના એક ડઝનથી વધુના ગુનામાં વિપુલ પકડાઇ ચૂક્યો હોવાનું અને બે વખત પાસાની હવા પણ ખાઇ ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછતાછમાં વિપુલને બે દિવસ પહેલાં નામચીન મહિલા પેડલર સુધાનો પુત્ર હિતેશ સુનિલભાઇ ધામેલિયા સાચવવા માટે આપી ગયો હોવાનું રટણ કરતાં હિતેશ પર છેલ્લા ત્રણ દિવસમાં ચારેક ગુના નોંધાયા હોય અને ફરાર હોવાનું બહાર આવતા પોલીસે હિતેશને પકડી લેવા કાર્યવાહી કરી છે.