રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી કેટલીક ખાનગી શાળાઓ ચોક્કસ જગ્યાએથી કે દુકાનેથી જ પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ કે શૂઝ લેવાનો આગ્રહ રાખતી હોવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે અગાઉ સ્ટેશનરી એસોસિએશન દ્વારા પણ આ મુદ્દે DEOથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી.
બાદમાં કોંગ્રેસ દ્વારા પણ આ જ મુદ્દે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ડીઈઓની ટીમે 7 દિવસમાં જુદી જુદી 42 જેટલી શાળામાં ચેકિંગ કર્યું હતું જેમાં મોટાભાગની શાળાઓમાં વાલીઓને ચોક્કસ સ્થળેથી જ યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો કે અન્ય સ્ટેશનરીની વસ્તુઓ લેવા દબાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત કેટલીક શાળામાં વેકેશનમાં શિક્ષણકાર્ય ચાલતું હોવા મુદ્દે, ફાયર એનઓસી નહીં હોવા સહિતના મુદ્દે કુલ 25 જેટલી શાળાને ડીઈઓએ નોટિસ ફટકારી છે.
એક અઠવાડિયામાં 42 સ્કૂલની તપાસમાં 25 સ્કૂલમાં ખામી સામે તેને નોટિસ ફટકારવામાં આવી છે. આ 25 સ્કૂલ પાસે નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ તેમના સંચાલકોને હિયરિંગમાં બોલાવવામાં આવશે. જે બાદ સ્કૂલો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ-અલગ મુદ્દાઓને લઈને હજી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ વેકેશન-રજાના સમયે શૈક્ષણિક કાર્ય ચાલતું હોય, ફાયર એનઓસી ન હોય, ચોક્કસ દુકાનેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરતી હોય તે સહિતના મુદ્દે શહેરની સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન 25 સ્કૂલમાં ખામી સામે તેને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે હજુ સુધી એકપણ વાલીએ શાળાઓ દ્વારા કોઇ બાબતે દબાણ કરાતું હોવાની DEOને ફરિયાદ કરી નથી.