રાજકોટમાં વધુ 98 ઇમારતો પૈકી 89માં ફાયર NOC ન હોવાનું ખુલતા નોટિસો અપાઈ

રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પરના એટલાન્ટિસ એપા. ખાતે ધુળેટીનાં દિવસે લાગેલી આગમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. આ પછી મનપા કમિશ્નરમાં આદેશથી ફાયર વિભાગ દ્વારા જુદી-જુદી ટીમો બનાવીને સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ બે દિવસમાં 180 ઇમારતો પૈકી 144 પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આજે વધુ 98 બિલ્ડીંગમાં ફાયરની ટીમો દ્વારા તપાસ કરવામાં આવતા 89 એકમોની પાસે ફાયર NOC નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને તમામ ઇમારતોનાં માલિકોને નોટિસ આપવામાં આવી છે. દરેક મિલકત ધારકોને આ પ્રમાણેની ત્રણ નોટિસો આપવામાં આવશે. આમ છતાં પણ જો ફાયર NOC લેવામાં નહીં આવે તો પાણી-વીજળી કાપી નાખવામાં આવનાર હોવાનું મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ફાયર વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી તમામ રહેણાંક સહિતનાં બિલ્ડીંગોમાં ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. જેમાં ગઈકાલ સુધીમાં 180 ઇમારતો પૈકી 144 પાસે ફાયર એનઓસી નહીં હોવાથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે સવારથી શરૂ થયેલા ચેકિંગ દરમિયાન વધુ 98 ઇમારતોમાં ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 89 જેટલા મિલકત ધારકોની પાસે ફાયર NOC નહીં હોવાનું સામે આવતા આ બધાને 7 દિવસની નોટિસ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *