રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા રાજકોટ શહેર અને જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ માંગમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. હવે વીજ ગ્રાહકો ઉપર તેની અસર વર્તાવાનું શરૂ થયું છે. રાજકોટ મેડિકલ કોલેજના સ્ટાફ ક્વાર્ટરના કર્મચારીઓએ વીજ વપરાશમાં 400થી 580 ટકાનો વધારો કરતા કવાર્ટર ધારક 60 કર્મચારી સહિત શહેરના 25 હજાર ગ્રાહકોને લોડ વધારાની નોટિસ ફટકારવામાં આવતા ગ્રાહકોમાં રોષ ફેલાઈ ગયો છે. લોડ વધારા બાદ ગ્રાહકો પર તોતિંગ વિજ બિલનો માર પડતો હોવાનુ સામે આવી રહ્યુ છે.
રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર મેડિકલ કોલેજના A-B-C 198 કવાર્ટર આવેલા છે. તેમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કલાર્ક, સિનિયર- જૂનિયર કચેરી અધિક્ષક, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી ટેકનિશ્યન સહિતનો સ્ટાફ વસવાટ કરે છે. તેમાંથી 60 સરકારી કર્મચારીઓને લોડ વધારની નોટિસ ફટકારવામાં આવી છે. C વિભાગનાં ક્વાર્ટર નં.6ના કર્મચારીને 500 ટકાનો વપરાશ નોટિસમાં દર્શાવાયો છે. આ કર્મચારીના કવાર્ટરમાં એસી, ગીઝર અને વોશિંગ મશીન પણ નથી. છતાં આટલો તોતિંગ વપરાશ બતાવી લોડ વધારાની નોટિસ આપવામાં આવી છે. અચરજની બાબત તો એ છે કે, C વિભાગમાં કવાર્ટર નં. 5ના કર્મચારીને 2 એસી, એક ગીઝર હોવા છતાં પણ તેનો વીજ વપરાશ 400 ટકા દર્શાવવામાં આવ્યો છે. આમ વીજ તંત્ર દ્વારા આડેધડ નોટિસ આપવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે C વિભાગમાં કવાર્ટર નં.10ના કર્મચારીને 580 ટકાનો વપરાશ બતાવવામાં આવ્યો છે.