ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં ઘણા સમયથી હાર્ટ-એટેકનું પ્રમાણ વધી ગયું છે. નાની ઉંમરનાં બાળકો હૃદયરોગના હુમલાનો શિકાર બની રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે. આ પ્રકારના બનાવો અટકાવવા માટે DEO બી.એસ. કૈલાએ નાનાં બાળકોને શાળાઓમાં કરાવવામાં આવતી કસરત, હાર્ડવર્ક તેમજ રનિંગ કરાવવાનું પ્રમાણ ઘટાડવા માટે આચાર્યોને મૌખિક સૂચના આપી છે. તેમજ હાલ નવરાત્રિ ચાલી રહી છે તો શાળાઓમાં રમાડવામાં આવતા ગરબાના રાઉન્ડ પણ ઘટાડવા સૂચના આપી છે.
1 વર્ષમાં જિલ્લામાં 6-7 બાળકનું હાર્ટ-એટેકથી મોત
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટ જિલ્લાની શાળાના આચાર્યોની એક બેઠક યોજવામાં આવી હતી. તેમાં હાલમાં જે ગંભીર વિષય છે અને જેની વાલીઓમાં તેમજ અન્યને ચિંતા છે તેવા હૃદયરોગના હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 6થી 7 બાળકોનાં હાર્ટ-એટેકથી મોત નીપજ્યાં છે. ત્યારે છાત્રો ઉપર માનસિક તેમજ શારીરિક અસર ન પડે તે માટેના આયોજન અંગે વાતચીત કરી કેટલીક મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી.
શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. હાર્ડવર્ક જેવાં કે, શાળાના ગ્રાઉન્ડમાં પાણીનો છંટકાવ કરાતો હોય છે અને પાણીની ડોલો ઉપાડવી પડતી હોય ત્યારે છાત્રો પાસે પાણીની ડોલ નહીં ઉપાડવા, રનિંગ કરાવવામાં આવતું હોય તેના રાઉન્ડ ઘટાડવા, મહેનતવાળું કામ નહીં કરાવવા, વધારે તાપમાં કામ નહીં કરાવવા ઉપરાંત કસરત કરાવવામાં આવતી હોય તેના સમયમાં પણ ઘટાડો કરવા સૂચનાઓ આપી હતી.