ઉત્તરાયણ પછી તરત કમૂરતા ઉતરે એટલે અયોધ્યા તરફ આખા દેશનું જ નહીં, વિશ્વભરમાં વસતા ભારતીયોનું ધ્યાન કેન્દ્રીત થશે. કારણ કે 15મી જાન્યુઆરીથી અયોધ્યાના નવા રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરવાની તૈયારીઓ શરૂ થઈ જશે. 16 જાન્યુઆરીથી રોજેરોજ વિધિ-વિધાન અને અનુષ્ઠાનો હશે. આ તમામ વિધિ પ્રાણ પ્રતિષ્ઠાનો જ એક ભાગ છે. 16થી 21 સુધી અલગ અલગ પૂજન થશે અને 22મી જાન્યુઆરી, 2024ને સોમવારે બપોરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
16 જાન્યુઆરીથી જે કાર્યક્રમો, પૂજાપાઠ, વિધિ થવાની છે તેની રૂપરેખા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી જાહેર કરાઈ છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય કહે છે, ‘ઉદઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ગર્ભગૃહનું કામ પૂર્ણ થઈ ગયું છે, જો કે સમગ્ર મંદિરને તૈયાર થવામાં હજુ બે વર્ષનો સમય લાગશે. અમે ઈચ્છીએ છીએ કે લોકો 22 જાન્યુઆરીને આનંદના તહેવાર તરીકે ઊજવે અને અયોધ્યા આવવાને બદલે પોતાના ઘરની નજીકના મંદિરમાં તહેવાર ઊજવે.
ટ્રસ્ટ અનુસાર, 22 જાન્યુઆરીએ રામમંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી ભક્તો રામલલ્લાનાં દર્શન કરી શકશે. ઉદ્ઘાટન માટે આવનારા લોકોને રહેવા માટે નાઈટ શેલ્ટર બનાવવામાં આવી રહ્યા છે. લોકો ધર્મશાળા અને ટીન કમ્પાર્ટમેન્ટમાં પણ રોકાઈ શકશે. મણિ પર્વત પાસે ટીન શેડમાંથી ટીન સિટી બનાવવામાં આવી છે. અહીં સાડા ત્રણ હજારથી વધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.