જસદણ તાલુકામાં આવેલી આંબરડી જીવનશાળાની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષના તરૂણ સાથે ગૃહપતિએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ તા.30 માર્ચના રોજ થઇ હતી અને તેમાં તા.31ના રોજના અખબારી અહેવાલમાં શરતચૂકથી આચાર્યએ દુષ્કૃત્ય કર્યાનો ઉલ્લેખ થયો છે.
વાસ્તવમાં આંબરડી જીવન શાળાના આચાર્ય રત્નાભાઇ રાઘવાણી સામે દુષ્કૃત્યની કલમ અંતર્ગત ગુનો નથી નોંધાયો, પરંતુ ગૃહપતિ કિશન ગાંગડિયા સામે કોઇ પગલાં ન લઇ, મદદગારી કરી હોવાની જે તે સમયે ફરિયાદ નોંધાઇ હતી. માનવીય ભૂલના લીધે થયેલી શરતચૂકમાં આચાર્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો અખબારનો કોઇ ઇરાદો નથી. નો઼ંધનીય છે કે જસદણ તાલુકાના આંબરડી મુકામે આવેલી જીવનશાળાની હોસ્ટેલમાં રહેતા તરૂણ સાથે ગૃહપતિ કિશન ગાંગડિયાએ અભદ્ર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતાં તરૂણે એ વખતે આચાર્ય રત્નાભાઇ રાઘવાણીને આ હકીકતથી વાકેફ કર્યા હતા.
ત્યારે તેમણે કોઇ કાર્યવાહી ન કરતા તરૂણે પોતાના વાલીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને અંતે મામલો જે તે સમયે પોલીસ મથકે પહોંચ્યો હતો અને તરૂણના વાલીએ ફરિયાદ નોંધાવી હતી અને તે અનુસંધાને જસદણ પોલીસે ગૃહપતિ સામે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, પોકસો અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને કાયદેરસની કરવાની થતી કાર્યવાહી શરૂ કરી હતી.