હાલ ઓનલાઈન ફૂડ મંગાવવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટનાં એક ગ્રાહકને તાજેતરમાં વેજ ફૂડનો ઓર્ડર આપવા છતાં નોનવેજ ફૂડ મળ્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ગ્રાહકે મનપાને ફરિયાદ કરી હતી અને મનપા દ્વારા તપાસ કરતા ઝોમેટો કંપનીની ભૂલના કારણે શુદ્ધ શાકાહારી વ્યક્તિને નોનવેજ ફૂડ પહોચ્યું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગે ઝોમેટો કંપની અને રેસ્ટોરન્ટ પાસેથી બાહેધરી પત્ર લખાવ્યો છે. ફરીવાર આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવા તાકીદ કરી છે. સાથે રેસ્ટોરન્ટની તપાસ કરી તેમાંથી 6 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારે રાત્રે ગૌરવ સિંઘ નામના વ્યક્તિએ વેજ બિરિયાની અને વેજ કબાબનો ઓર્ડર આપ્યો હતો. જેના બદલે મુંબઇ ઝાયકા નામના રેસ્ટોરન્ટ ખાતેથી માંસ મટન વાળું ફૂડ ડિલિવર કરી દેવાયુ હતું. આ અંગે ગૌરવ સિંઘે રાજકોટ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરતા મનપાની ટીમ દ્વારા ઝોમેટો તેમજ રેસ્ટોરન્ટ માલિકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઝોમેટો કંપનીનાં મેનેજરે બચાવમાં જવાબ આપ્યો કે, રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ વેચે છે. જેથી આ ભૂલ થઈ છે. રેસ્ટોરન્ટ માલિક સાથેની ઓનલાઈન ચેટમાં પણ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે.