રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રથમ વખત સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવનારી જુદી જુદી શિષ્યવૃત્તિ સહિતની 10 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. NMMS પરીક્ષા 20 ડિસેમ્બરે, પ્રાઇમરી-સેકન્ડરી સ્કોલરશિપ પરીક્ષા 31 જાન્યુઆરી-2026ના રોજ લેવાઈ શકે છે. એવી જ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સહિતની વિવિધ પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. હાલમાં સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકાય છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓ લેવાતી હોય છે. આ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની તૈયારીનો પૂરતો સમય મળી રહે તે માટે સંભવિત તારીખો જાહેર કરાઈ છે. અત્યાર સુધી પરીક્ષા પહેલાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખ જાહેર કરાતી હતી, પરંતુ આ વખતે પહેલાથી જ સમગ્ર વર્ષની તમામ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલા શિડ્યૂલ અનુસાર આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સૌ પ્રથમ વખત સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવનારી વિવિધ પરીક્ષાઓની તારીખો અત્યારથી જ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 14 ફેબ્રુઆરી, 2026ના રોજ લેવાનું આયોજન કરાયું છે. જ્યારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 21 માર્ચે લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અનિવાર્ય સંજોગોમાં પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.