નિફટી ફ્યુચર 24088 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ ક્ષણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્ધની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ બન્ને દેશો વચ્ચે યુદ્ધનું ટેન્શન વધ્યું છે પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપતા ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું હોવાથી વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી તેમજ વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સ્થાનિક શેરબજાર પોઝીટીવ રહ્યું હતું.

નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની જીએસટી કલેક્શન એપ્રિલમાં રૂ.2.37 લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે. જે વાર્ષિક ધોરણે 12.6%નો ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, 2025માં રૂ.2.37 લાખ કરોડનું ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ 2024માં જીએસટીની કુલ આવક (રૂ.2.10 લાખ કરોડ)ની તુલનાએ 12.6%નો વધારો નોંધાવ્યો છે. જીએસટીની વધતી આવક દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો હોવાનો તેમજ ફુગાવો નીચે આવવાનો નિર્દેશ આપે છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4085 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2183 અને વધનારની સંખ્યા 1761 રહી હતી, 141 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટસ 4.11%, બજાજ ફાઈનાન્સ 2.62%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.65%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.51%, મારુતિ સુઝુકી 1.21%, ટાટા મોટર્સ 1.20%, આઈટીસી લિ. 1.14%, ટાટા સ્ટીલ 1.11% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.97% વધ્યા હતા, જયારે નેસ્લે ઇન્ડિયા 2.04%, એનટીપીસી લિ. 1.61%, કોટક બેન્ક 1.36%, ટાઈટન લિ. 1.09%, પાવર ગ્રીડ કોર્પ. 0.85%, ટેક મહિન્દ્ર 0.83%, હિન્દુસ્તાન યુનીલીવર 0.77%, ભરતી એરટેલ 0.63% અને એશિયન પેઈન્ટ 0.67% ઘટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *