ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક

ગોંડલના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસ સાથે સંકળાયેલ પીડિત સગીરાના વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. સગીરાની ઓળખ સોશિયલ મીડિયામાં જાહેર કરવાના ગંભીર આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 17 જુલાઈ 2025ના રોજ પીડિત સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો.

સગીરાના પિતાએ લેખિત ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે તેમની દીકરીના કેસના વકીલ ભૂમિકા પટેલે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ તથા બાઈટ આપીને તેમની સગીર દીકરીનું નામ અને ઓળખ સમાજમાં જાહેર કરી દીધી છે. આ કૃત્ય કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. પિતાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે પ્રથમ એનસી (નોન-કોગ્નિઝેબલ) ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી

ગોંડલ તાલુકા PI એ.ડી.પરમારે જણાવ્યું હતું કે કોર્ટે 29 જુલાઈ 2025ના રોજ સ્પષ્ટ હુકમ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે આ બનાવ કોગ્નિઝેબલ ગુનો બને છે. આ માટે પોલીસને ફરિયાદ દાખલ કરવા કોઈ વિશેષ પરવાનગીની આવશ્યકતા નથી. કોર્ટના આ સ્પષ્ટ હુકમ બાદ, ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક અસરથી વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની કલમ 23(4) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 74(3) હેઠળ વિધિવત FIR દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *