ઉ.ગુજરાતમાં 3 નવી સરકારી કોલેજ તથા બે વર્તમાન કોલેજમાં નવો પ્રવાહ શરૂ કરાશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બજેટમાં કરેલી જોગવાઇ મુજબ ઉત્તર ગુજરાતમાં 3 નવી સરકારી કોલેજ અને એક સરકારી કોલેજમાં નવો પ્રવાહ શરૂ કરવા તથા વલસાડના કપરાડામાં કાર્યરત કોલેજમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવા લીલીઝંડી આપી છે અને આ પાંચેય કોલેજ માટે રૂ.4.35 કરોડની ફાળવણી કરી છે.

શિક્ષણ વિભાગે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નવી લો કોલેજને મંજૂરી આપી છે. તેમજ વિસનગરમાં કાર્યરત સરકારી કોલેજમાં વાણિજ્ય પ્રવાહને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ખેરાલુમાં નવી સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવામાં આવનાર છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં શિહોરી ખાતે નવી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ શરૂ કરવામાં આવનાર છે. આ તમામ કોલેજો શરૂ કરવા માટે સને 2025-26ના નાણાકીય બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબ રૂ.3.83 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

જ્યારે વલસાડની કપરાડા ખાતે આદિજાતિ વિસ્તારમાં કાર્યરત સરકારી કોલેજમાં 1 નવી વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજૂર કરવામાં આવી છે અને તેના માટે રૂ.52 લાખનું બજેટ મંજૂર કરાયું છે. શિક્ષણ વિભાગે 3 નવી સરકારી કોલેજમાં 3 પ્રિન્સિપાલ, 3 પીટીઆઇ, 3 ગ્રંથપાલ અને પાંચ કોલેજ માટે 22 આસિસ્ટન્ટ પ્રોફેસર, 5 ક્લાર્ક સહિત 43 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે જે નિયમિત પગારધોરણથી ભરવામાં આવશે. જ્યારે 3 કોલેજમાં પટાવાળાની 6 જગ્યા હંગામી ધોરણથી ભરવામાં આવશે. આ નવી સરકારી કોલેજોને વહીવટી મંજૂરી મળ્યા બાદ આગામી 6 માસમાં સીધી ભરતી કરવામાં આવશે. બેકલોગની જગ્યા હોય તો તેને પ્રાયોરિટી આપવા નિર્ણય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *