ઉનાળુ વેકેશનના વિરામ બાદ મંગળવારથી રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી કોલેજો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના આગમન સાથે કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસ ફરીથી જીવંત બની ગયા છે. જીકાસ દ્વારા કોલેજો અને શૈક્ષણિક ભવનોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ અપનાવવામાં આવ્યા બાદ સરકારી અને ગ્રાન્ટેડ સહિતની કોલેજોમાં હજુ પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ છે. તેથી પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ નહીં થાય. તે સિવાયના સેમેસ્ટરના વિદ્યાર્થીઓની કોલેજ શરૂ થઈ છે.
યુનિવર્સિટીના સત્રના પ્રથમ દિવસે અનેક કોલેજોમાં ઓરિએન્ટેશન સત્રો યોજવામાં આવ્યા હતા, જ્યાં નવા વિદ્યાર્થીઓને કોલેજના નિયમો, શિક્ષણ પદ્ધતિ અને વિવિધ શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. પ્રોફેસરો અને ફેકલ્ટી મેમ્બર્સે વિદ્યાર્થીઓને નવા અભ્યાસક્રમો અને અભ્યાસની રીત વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે જ, કેટલીક કોલેજોમાં રેગ્યુલર ઇ-અટેન્ડન્સ સિસ્ટમનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં મંગળવારે પ્રથમ દિવસ હતો. વિવિધ વિભાગોમાં હજુ પણ પ્રવેશ પ્રક્રિયાઓ કેટલાક સમયથી ચાલુ છે, જે હવે પૂર્ણતા તરફ વધી રહી છે. નવા સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓમાં ભવિષ્ય અંગે નવી આશાઓ અને ઊર્જા જોવા મળી. બી.એ., બી.કોમ., બી.એસસી. જેવા વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓ નવા અભ્યાસક્રમો અને ફેકલ્ટી સભ્યો સાથે જોડાવા માટે ઉત્સુક છે.