શ્રાવણ માસના પ્રારંભે જ જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે ધેલા સોમનાથ-રાજકોટ વાયા-જસદણ રૂટની બસ શરૂ કરવામાં આવી હતી તથા રૂ.186 લાખના ખર્ચે નવિનીકરણ થયેલા મંદિરના વિકાસ કામોનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંદિરની પાછળ આવેલા ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું.
મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જસદણ-વીંછિયા તાલુકો આર્થિક, સામાજિક અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યા છે. મીનળદેવી માતાજી મંદિરના નવીનીકરણ તથા તેના લોકાર્પણને કારણે પ્રવાસનને વેગ મળશે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર માસ દરમિયાન અહીંયા મેળો યોજાય છે. જેનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ દ્વારા અંદાજિત રૂ.1,86,26,000 ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફલોરીંગ અંદાજિત રૂ.16,90,000 ના ખર્ચે, મીનળદેવી મંદિર ટેકરી ઉપર જવા માટે 3.65 મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ.44,56,000 ના ખર્ચે, રૂ.6 લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ.44,75,000 ના ખર્ચે ટેકરીની ઉપરના સમસ્થળ ભાગમાં ગાર્ડન તથા બાળકો માટે રમતગમતની રાઈડ, રૂ.25,65,000 ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, રૂ.3,40,000 ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ આર્ચનું પ્રવેશદ્વાર, રૂ.2 લાખના ખર્ચે મુખ્ય મંદિરમાં ગ્રાઉન્ડ લેવલથી ચડાવી શકાય તે અનુસારની વ્યવસ્થાના ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા શિખર ઉપર જવાની સ્ટીલ સીડી તેમજ રૂ.21,50,000 ના ખર્ચે વોટર સપ્લાય માટે ડીપવેલ બોર સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા વોટર સપ્લાય પાઈપ લાઈન અને રૂ.21,50,000 ના ખર્ચે મીનળદેવી મંદિરના પાછળના ભાગમાં ક્રિડાંગણમાં તથા પગથીયા ઉપર ઈલેકટ્રીક પોલ, ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ, ઈલેકટ્રીક પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.