રાજકોટના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાં કરવામાં આવેલી લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં અદાલતે આરોપી દંપતીને સાત વર્ષની સજા અને રૂ.20 હજારના દંડનો હુકમ કર્યો છે.
યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક શેરી નં.4માં ‘માતોશ્રી’ નામના મકાનમાં રહેતા જશ પ્રભાતભાઇ સિંઘવે ગત તા.06-10-2022ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેના મકાનમાં દોઢ માસથી રહેતા અને ઘરકામ તથા ચોકીદારી કરતા અનિલ નેપાળી અને તેમના પત્ની લક્ષ્મીએ મોડીરાત્રે ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફરિયાદીને છરી બતાવી તેના હાથ-પગ ચૂંદડી અને ઓશિકાના કવર વડે બાંધી દઇ ફરિયાદીના પિતાના રૂમમાં રાખેલા કબાટમાંથી રૂ.10 લાખ રોકડા, સોનાના પેન્ડલ સેટ-5, સોનાની વીંટી નંગ-50, સોનાની લકી, સોનાનો સેટ, સોનાના સિક્કા-3, ચાંદીના 8 થી 10 સિક્કા તથા અલગ-અલગ બ્રાન્ડની ઘડિયાળો નંગ-10ની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ફરિયાદીના દાદા તેના રૂમમાં આવતા ફરિયાદીને મુક્ત કરાવતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને અરવલ્લી પાસેથી ઝડપી લીધા હતા.
આ કેસ ચાલી જતા સરકારી વકીલ પૂજાબેન જોશી અને ફરિયાદપક્ષના વકીલ ભગીરથસિંહ ડોડિયાની દલીલો ધ્યાનમાં લઇ અદાલતે આરોપી અનિલકુમાર ઉર્ફે રામસરનસિંહ કસેરા અને તેમના પત્ની લક્ષ્મી ઉર્ફે ધનશ્રી અનિલકુમારને દોષિત ઠરાવીને સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને બન્ને આરોપીઓને રૂ.10-10 હજારનો દંડ ચૂકવવા આદેશ કર્યો હતો.