ગોંડલ તાલુકાનાં ખાંડાધાર ગામની સીમમાં વાડીમાં રસ્તાનાં મામલે શેઢા પાડોશીઓ વચ્ચે તકરાર થતા એક પક્ષે બંદુકમાંથી ફાયરીંગ કર્યું હતું.જ્યારે સામા પક્ષે લાકડીનો ઘા માથામાં ઝીંકી દેતાં ઇસમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ખાંડાધારની સીમમાં વાડી ધરાવતા વલ્લભભાઈ નાજાભાઇ મકવાણાએ તાલુકા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે ગત સાંજના બાજુમાં વાડી ધરાવતા અને ગોંડલ ભગવતપરામાં રહેતા દિપકભાઈ મોહનભાઈ ડાભીના માણસો લાલજીભાઈ તખુભાઇ તથા કિશનભાઇ ટ્રેકટર લઇને વાડીએ આવી અમારે વાડી વચ્ચે જે વિવાદ ચાલે છે ત્યા ઉભા રહેતા અમે કહ્યું હતું કે રસ્તા અંગે વિવાદ ચાલતો હોય તમે અહીથી ચાલી ન શકો.તેથી બન્ને ટ્રેકટર લઇ જતા રહ્યા હતા.બાદમાં દિપકભાઈ ડાભી બે નાળવાળી બંદુક સાથે વાડીએ આવી અમારી સાથે ઝગડો કર્યો હતો અને કહ્યું હતું કે હવે તને ભડાકે દેવો છે.એમ બોલી બંદુકનું નાળચુ અમારા તરફ કરી એક રાઉન્ડ ફાયરીંગ કરતા ગોળી બાજુમાંથી જતી રહી હતી, બાદમાં મેં અને મારા પુત્ર સુભાષ દોડીને બંદુક પકડી લીધી હતી અને એ દરમિયાન વાડીએ દોડી આવેલા મારા પુત્ર સુરેશને દિપક સાથે ઝપાઝપી થઇ હતી
જેમાં દિપકભાઈને માથાનાં ભાગે લાકડીનો ઘા લાગ્યો હતો.બંદુકનો અવાજ સાંભળી આજુબાજુનાં વાડીનાં લોકો દોડી આવી ઝગડો નહી કરવાનુ કહી અમને છૂટા પાડ્યા હતા.તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે અમારે તથા દિપકભાઈ ડાભીને રસ્તા બાબતનો વિવાદ ઘણા સમયથી ચાલતો હોય તેનો કોઈ નિર્ણય આવ્યો ન હોય તેમ છતા દિપકભાઈ ડાભીનાં માણસો વિવાદ વાળા રસ્તે ચાલતા હોય ચાલવાની ના કહેતા દિપકભાઈ ડાભીએ બંદુકમાંથી મારી નાખવાનાં ઇરાદે ફાયરીંગ કર્યુ હતુ. પોલીસે કલમ 109 તથા આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ દિપકભાઈ ડાભીને માથાનાં ભાગે ઇજા થતા ગોંડલ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.