શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર એક વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા અગાસી પર પરિવાર સાથે સુતી હતી તે દરમિયાન પાડોશમાં રૂમ રાખી રહેતા શખ્સે મહિલાની નજીકમાં સુઇ જઇ અને શરીરે અડપલાં કર્યા હતા. દરમિયાન અચાનક મહિલાએ જાગીને બૂમો પાડતા શખ્સ નાસી જઇ તેના રૂમમાં જઇને સુઇ ગયો હતો પરંતુ પહેરેલા શર્ટના કારણે ઓળખાઇ જતા લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ગરમીના કારણે મહિલા અને તેના પતિ તેમજ તેના ચાર સંતાનો સાથે અગાસી પર સુવા માટે ગયા હતા. પતિ ખાટલા પર અને મહિલા નીચે તેના સંતાનો સાથે સુતા હોય મોડીરાત્રીના કોઇ અજાણ્યો શખ્સ તેની પાસે આવીને સુઇ ગયો હતો અને શરીરે સ્પર્શ કરી શારીરિક અડપલાં કરતો હોય મહિલા જાગી જતા શખ્સને બાજુમા સુતેલો જોઇ દેકારો કરતા શખ્સ નાસી ગયો હતો.
દરમિયાન પતિ તેમજ પાડોશના લોકો અકઠા થઇ ગયા હતા. દરમિયાન પાડોશમાં ભાડાની ઓરડીમાં રહેતા ત્રણ શખ્સ તેમાંથી કોઇ આવ્યું હોવાની શંકાએ તપાસ કરતા શખ્સ રૂમમાં સુઇ ગયો હોય તેને લોકોએ બોલાવી પૂછતાછ કરતા તેને આ વાતનો ઇન્કાર કર્યો હતો. પરંતુ મહિલાએ શખ્સે પહેરેલ શર્ટના કારણે ઓળખી લેતા શખ્સને પકડી પોલીસ હવાલે કર્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર દીપકભાઇ સહિતે શખ્સની પૂછતાછ કરતા તે ઉપલેટામાં રહેતો અને ડ્રાઇવિંગકામ કરતો રૂત્વિક કનુભાઇ મેવાડા હોવાનું અને કેટલાક સમયથી અહીં રૂમ ભાડે રાખી મિત્રો સાથે રહેતો હોવાનું રટણ કરતા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી રૂત્વિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.