નેહલે ફટકાર્યો દામીનીનો ડાયલોગ્સ ‘પ્રજાને મળે છે તારીખ પર તારીખ, નથી મળતો યોગ્ય જવાબ’

રાજકોટ મહાનગરપાલિકામાં શુક્રવારે સાંજે મેયરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક મળી હતી જેમાં તમામ નગરસેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અનેક નગરસેવકોએ અધિકારીઓ કામ કરતા ન હોય તે બાબતે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં નગરસેવક નેહલ શુક્લએ દામીની ફિલ્મનો ડાયલોગ્સ ફટકારી કહ્યું હતું કે ‘મહાનગરપાલિકામાં કામ માટે આવતા અરજદારોને મળે છે તારીખ પર તારીખ, પણ નથી મળતો પ્રશ્નનો યોગ્ય જવાબ અને ઉકેલ’.

શુક્લએ કહ્યું કે, મહાનગરપાલિકાનું એકપણ કામ પૂરું થતું નથી, કોઇ કામ 40 ટકા તો કોઇ 50 ટકા તો કોઇ 60 ટકા પૂરું થયાના જવાબો જ મળે છે. અધિકારીઓ કેમ નિર્ણય પર પહોંચતા નથી. પ્રિ-મોન્સૂન કામગીરીની વાત કરીએ તો બધું કાગળ પર ઓકે જ છે. નીચેના અધિકારીઓથી લઇને ડેપ્યુટી કમિશનર સુધીના તમામે પ્રિ-મોન્સૂન કામગીરીમાં ઓકે..ઓેકે..ના રિપોર્ટ ભર્યા છે તો આટલા પ્રોબ્લેમ કેમ થયા?

શુક્લએ સફાઇ બાબતે પણ જવાબદારીની ફેંકાફેંકી બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કામ ન કરતા કોન્ટ્રાક્ટર પર પગલાં લેવાતા નથી. લોકોની સહનશક્તિની કસોટી ન કરો. તેમજ પાણીની પાઇપલાઇન બાબતે પણ ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓનો ઉધડો લીધો હતો કે, નળ કનેકશનમાં કેમ વેરા બિલ માંગો છો? નિયમ શું છે? તેના જવાબમાં ડેપ્યુટી કમિશનરે જવાબ આપ્યો હતો કે નળ કનેકશનમાં પ્રણાલી મુજબ કામ કરીએ છીએ તો નેહલ શુક્લે ઉધડો લેતા કહ્યું હતું કે કોઇપણ કામ પ્રણાલી મુજબ નહી પરંતુ નિયમ મુજબ કરવાનું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *