રાજકોટ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગત મોડી રાત્રે વીજળી ગૂલ થઈ ગઇ હતી. જે દરમિયાન વિસ્તારવાસીઓએ કમ્પલેઇન કરવા માટે કન્ટ્રોલ રૂમમાં ફૉન કર્યો હતો. જોકે કોઈએ ફૉન રિસિવ કર્યો ન હતો. જેથી સ્થાનિકો જામ ટાવર વિસ્તાર પાસે આવેલી કંટ્રોલરૂમની ઓફિસ ખાતે જનતા રેડ પાડી હતી. જે દરમિયાન કર્મચારીઓ દ્વારા ફોનનું રીસીવર નીચે મૂકી આરામ ફરમાવતા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ વિસ્તારમાં 11 કેવીનું ફીડર ટ્રીપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે લતાવાસીઓને ભારે હેરાનગતિ સહન કરવાનો વારો રાત્રિ દરમિયાન આવ્યો હતો. ત્યારે રાત્રિ દરમિયાન લતાવાસીઓ દ્વારા અનેક વખત ફોન કરવામાં આવ્યો હોવા છતાં PGVCLના કંટ્રોલ રૂમ ખાતેથી ફોન સતત એન્ગેજ આવી રહ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા રાજકોટના જામ ટાવર વિસ્તાર પાસે આવેલી કંટ્રોલરૂમની ઓફિસ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. જે મુલાકાત દરમિયાન કંટ્રોલરૂમ ખાતે રાત્રી દરમિયાન ફરજ બજાવનારા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. રાત્રિ દરમિયાન ફરિયાદના ફોન ન ઉપાડવા પડે માટે કર્મચારીઓ દ્વારા ફોનનું રીસીવર નીચે મૂકી આરામ ફરમાવતા હોવાનું સામે આવ્યું હતું.
આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં PGVCL ના ટેકનિકલ સાઈટ કર્મચારી અતુલ વ્યાસે જણાવ્યું હતું કે, PGVCL દ્વારા પણ ઇન્ટર્નલ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જે કોઈ પણ કર્મચારીની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત શિયાળાની ઋતુમાં પણ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આધારિત ભરતી કરવામાં આવેલા કર્મચારીઓ રાત્રી દરમિયાન આરામ ફરમાવી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા ત્યારે ફરી આ પ્રકારના વીડિયો સામે આવેલા છે.