દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આમ હવે આ મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મણિધરબાપુએ શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીને લઈને કહ્યું હતું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો
મણિધરબાપુએ જણાવ્યું હતું કે હું મોગલધામ કબરાઉથી ચારણઋષિ કહું છું કે સનાતન ધર્મને જે ધક્કો લગાવ્યો છે, આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. આને હું કંપની કહું છું. આ એસેમ્બલ કંપની હરામનું ખાઇ ખાઇ જેમ ફાવે એમ બફાટ કરે છે. લખવા મંડ્યા છે શું તેના ઘરનો ધંધો છે? કોઈ કાયદો છે? આને કોઈ કહેવાવાળું નથી? કારણ મા મોગલની કૃપાથી બાપુએ આદેશ કરી દીધો છે.
‘તમામ સાધુ-સંતોને કહેવાઇ ગયું છે કે બાપ તમે અનુષ્ઠાનમાં બેસી જાઓ. જ્યાં સુધી આપણા શંકરાચાર્યની સામે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પાસે માફી ન માગે, લખાણ ન આપે ત્યાં સુધી આને માફ નથી કરવાના. અનુષ્ઠાનમાં નાના-મોટા બધા સાધુએ બેસી જવાનું છે. હું બુધવારે બેસવાનો છે. જરૂર પડ્યે ધર્મ માટે ખપી જવા માટે તૈયાર છું. અમારા માટે બે વસ્તુ છે. સુધારાના બે શબ્દો આપીએ… કાં લડાઈ કરી અમે તલવાર પણ ઉપાડી જાણીએ એ તાકાત છે, કારણ કે અમારી માએ પણ ધર્મ માટે યુદ્ધ કર્યું છે.’
‘આ એક બાપુનો અઢારેય વર્ણને આદેશ છે. પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે. હરામનું ખાઇ ખાઇ, પૈસા આપવાનું બંધ કરો. કરોડોનાં મંદિર બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે. ઇશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી. મારે વહેલા અનુષ્ઠાનમાં બેસવું હતું, પણ ધાર્મિક કામ હોવાથી હું લેટ અનુષ્ઠાનમાં બેસવાનો છું. સમય આવ્યે અન્નત્યાગ પણ કરીશ. સ્વામિનારાયણના મંદિર સામે કાં મોગલધામના પટમાં બેસી જઈશ. દુનિયાને ખબર પડી જાય કે ચારણ શું ચીજ છે? કૃષ્ણથી મોટું કોઈ નથી. જય મોગલ, જય મણિધર….’