DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતાં ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપી છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું સામે આવતા તેની તપાસ શરૂ કરી રિપોર્ટ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે. જે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી રાજકોટમાં આવેલા લોકો અંગે પણ સતત ત્રણ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાજકોટમાંથી પોલીસેને મળી આવ્યું નથી એટલે કે, રાજકોટ સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં જે એક્સ્પોલઝિવ પકડાયા અને દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું. આ પછી ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેનો એક ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જે રિપોર્ટ આગામી 100 કલાકની અંદર તૈયાર કરી રાજ્ય પોલીસ વડા કચેરી ખાતે સુપ્રત કરવાનો છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.