ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયા પ્રોફેશનલ સાથે પર્સનલ લાઈફના કારણે પણ હંમેશા હેડલાઈન્સમાં રહે છે. ગયા વર્ષે જુલાઇમાં ક્રિકેટરે નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. હાલ બનેં પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છે તે વચ્ચે નતાશાનું એક નિવેદન સામે આવ્યું છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. એક્ટ્રેસે ToIને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરી પ્રેમમાં પડવા બાબતે વાત કરી હતી.
નતાશા સ્ટેનકોવિકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે- તે આગામી વર્ષોમાં નવા અનુભવો, તકો અને કદાચ પ્રેમ પણ શોધવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે- હું પ્રેમમાં પાડવાની વિરોધમાં નથી. હું જીવનમાં આવતી દરેક તકોને સ્વીકારવા માગુ છું, મને લાગે છે કે જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે યોગ્ય વ્યક્તિ સાથે આપોઆપ કનેક્શન થઈ જાય છે. આ ઉપરાંત, તેણે કહ્યું કે- હું વિશ્વાસ અને યોગ્ય વિચારસરણીવાળા સંબંધોને મહત્ત્વ આપવા ઇચ્છુ છું.
આગળ એક્ટ્રેસે કહ્યું કે- ગયુ વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક હતું. તેણે કહ્યું કે- તેના ભૂતકાળના સંબંધો અંગે તેને ઘણા સારા અને ખરાબ અનુભવો થયા છે. નતાશાએ એમ પણ કહ્યું કે- તમે ઉંમરથી નહીં પણ અનુભવોથી શીખો છો. લાંબા સમયથી પ્રોફેશનલ જીવનથી દૂર રહેવા વિશે વાત કરતાં, એક્ટ્રેસે કહ્યું કે- પાંચ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી કમબેક કરવું સરળ નથી, પરંતુ તેણે કહ્યું- સખત મહેનત સાથે તે ટૂંક સમયમાં એક નવું કરિયર અપનાવશે.