4 મહિનાના પૌત્રને નારાયણ મૂર્તિએ 15 લાખ શેર ગિફ્ટમાં આપ્યાં

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને 240 કરોડ રૂપિયાના શેર ભેટમાં આપ્યા છે. મૂર્તિએ તેમના પૌત્રને કંપનીમાં 15 લાખ શેર આપ્યા છે, જે 0.04% હિસ્સાની સમકક્ષ છે.

શેર ગિફ્ટ કર્યા પછી ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિનો હિસ્સો હવે 0.40%થી ઘટીને 0.36% પર આવી ગયો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાતની માહિતી આપી છે.

લગભગ ચાર મહિના પહેલાં 10 નવેમ્બરના રોજ નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા કૃષ્ણન માતા-પિતા બન્યા હતા. પછી નારાયણ મૂર્તિએ સંસ્કૃત શબ્દ અતૂટ ધ્યાનથી પ્રેરિત થઈને તેમના પૌત્રનું નામ એકાગ્ર રાખ્યું.

એકાગ્ર પહેલાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની બે પૌત્રી પણ છે, જેમના નામ કૃષ્ણા સુનક અને અનુષ્કા સુનક છે. બંને બાળકી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની પુત્રીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *