મારા મામા રેલવેમાં ટીટીઇ છે, તમારી ટિકિટ કઢાવી આપું,’ કહી યુવકને ગઠિયાએ છેતર્યો

રાજકોટ રેલવે જંક્શન સ્ટેશન પર ટિકિટ લેવાના બહાને અજાણ્યા શખ્સે મુસાફર યુવકને તમારે ટિકિટ લેવાની છે તો મારા મામા ટીટીઇ છે, કહી સ્ટેશન બહાર લઇ જઇ રોકડ-મોબાઇલ, ઘડિયાળ સહિતની વસ્તુઓ લઇ બે અજાણ્યા શખ્સ નાસી ગયાની ફરિયાદ કરતાં રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પેાલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના નમુ કોલેપારા ગામનો અને હાલ રાજકોટના નવાગામ પાસે આબાદ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો અને ચાંદીકામની મજૂરીકામ કરતો દીપકકુમાર ભુવનેશ્વર કુલે નામના યુવકને તેના વતન જવાનું હોય રેલવે સ્ટેશન પર ગયો હતા અને ટિકિટ માટે બારી પાસે બેઠો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને પૂછ્યું હતું કે, ક્યાં જવાનું છે? જેથી તેને સાંત્રાગાચી જવાનું કહેતા તેને પણ યુપીનો હોવાની ઓળખ આપી મારા મામા ટીટીઇ છે અને તેમની પાસે રેલવેની ટિકિટ કઢાવવાની છે તમારે ટિકિટ કઢાવવાની છે? જેથી યુવકે હા, પાડી હતી.

દરમિયાન શખ્સે તેને ચાલો મારી સાથે કહી રેલવે ડેમુ ટ્રેન પાસેથી બહાર લઇ જઇ પાનની દુકાને ઊભો રાખી તેની પાસેથી ટિકિટના રૂ.6 હજારની રોકડ, મોબાઇલ અને ઘડિયાળ લઇને ફોન કર્યો હતો જેથી અન્ય એક શખ્સ આવ્યો હતો અને તે ટીટીઇ તરીકેની ઓળખ આપી હતી.

બાદમાં આપણા બન્નેની ટિકિટ લઇને આવું કહી ગયા બાદ બન્ને પરત નહીં આવતા અને ટિકિટ પણ નહીં મળતા યુવક પરત ઘેર આવ્યો હતો અને ત્યાર બાદ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતાં એએસઆઇ પ્રભાબેન સહિતના સ્ટાફે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *