રાજકોટ મનપા દ્વારા 6 સ્થળે માય થેલી કાર્યક્રમ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણને નાથવા માટે એક અનોખું અભિયાન “My Theli” શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના દરેક ઘરને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો છે. આ અભિયાન 5 જૂન, 2025થી 31 ઓક્ટોબર, 2025 દરમિયાન દર ગુરુવાર તેમજ શુક્રવારે ચલાવવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાની પાસે રહેલું નકામું કાપડ લઈ આવે તો તરત જ તેમાંથી સખી મંડળની બહેનો કાપડની થેલી બનાવી આપે છે. મનપા દ્વારા 6 સ્થળે આ સેવા શરૂ કરવામાં આવી છે.

મનપાની પ્રોજેકટ શાખાના કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર દીપ્તિબેન આગરિયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ શહેરના 6 જુદા-જુદા સ્થળોએ સખી મંડળની બહેનો દ્વારા નાગરિકો દ્વારા લાવવામાં આવેલા જૂના કપડાંમાંથી આકર્ષક કાપડની થેલીઓ સ્થળ પર જ સીવી આપવામાં આવે છે. આનાથી માત્ર પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થશે એટલું જ નહીં પરંતુ, મહિલા સશક્તિકરણને પણ વેગ મળશે. આ અભિયાનનો મુખ્ય ધ્યેય પ્લાસ્ટિક મુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે અને તે 31 ઓક્ટોબર, 2025 સુધી રાજકોટ શહેરમાં ચાલુ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના અભિયાનને શરૂઆતમાં જ સારો પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં 5 જૂન, 2025 (ગુરુવાર) અને 6 જૂન, 2025 (શુક્રવાર)નાં રાજકોટ શહેરના 6 અલગ-અલગ સ્થળોએ નાગરિકોએ આ યોજનાનો લાભ લીધો હતો, જેમાં કુલ 316 કાપડની થેલીઓ બનાવી આપવામાં આવી ચૂકી છે. આગામી ઓક્ટોબર સુધી જે કોઈપણ નાગરિક વેસ્ટજ કાપડને લઈ આવશે તેને થેલી બનાવી આપવામાં આવશે.

કુલ 281 શહેરીજનોએ આ કેન્દ્રોની મુલાકાત લીધી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ સેન્ટ્રલ ઝોન કચેરી, RMC, ઢેબર રોડ, વોર્ડ ઓફિસ વોર્ડ નં. 17(અ) સહકાર નગર મેઈન રોડ, ઇસ્ટ ઝોન કચેરી, RMC, ભાવનગર રોડ, વોર્ડ ઓફિસ, વોર્ડ નંબર 4, 50 ફૂટ રોડ, રાજેશ ઓઈલમિલ સામે, વેસ્ટ ઝોન કચેરી, RMC, બીગ બજાર પાસે અને મલ્ટીએક્ટિવિટી સેન્ટર નાના મૌવા સર્કલ ખાતે સખી મંડળની બહેનો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે. ગત ગુરુવાર અને શુક્રવાર બે દિવસ દરમિયાન કુલ 281 શહેરીજનોએ આ કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને સ્વસહાય જૂથની બહેનો દ્વારા 316 જેટલી જૂના કપડાંમાંથી કાપડની થેલીઓ સ્થળ પર સીવી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *