ધોરાજી ના મોટીમારડ ગામ પાસે આવેલ મોરડીયા માર્ગ પાસે આવેલ તળાવ માંથી યુવકની લાશ મળી પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
ધોરાજીના મોટીમારડ ગામ સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં યુવાનની લાશ મળતા મૃતદેહ પર ઇજા કે ઘાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકાની ખરાઇ કરવા લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયો હતો.આ લાશ મોટીમારડના યુવાન પ્રવીણ સામત ડેર નામના 40 વર્ષના હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ પણ હત્યા કોણે અને શા માટે કરી એ કારણ અકબંધ છે.
મૃતકના બહેન ભાવનાબેન ઉલ્ફે ભુરીબેન સામતભાઈ ડેરએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે તે ઘરેથી તા.8ના રાતે બહાર જાઉં છું કહીને નીકળ્યો હતો અને સવારે તેનો મૃતદેહ જ મોરડીયા રોડ તળાવ પાસેથી મળ્યો હતો. પાટણવાવના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી વાઢીયાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) જીપીએફ 135 મુજબનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા તજવીજ શરૂ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ સુધી કોણે હત્યા કરી અને શા માટે કરી તે બાબતે કોઈ હકીકત મળી નથી, પરિવારજનો અને શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ નક્કર કડી હાથ લાગી નથી. હાલ સ્થાનિક પોલીસ સાથે એલસીબી, એસઓજી ટીમ આ ઘટનાની ગુત્થી ઉકેલવા ધંધે લાગી છે અને સાથે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની પણ મદદ લેવાઇ છે.