રાજકોટ શહેરમાં આખા વર્ષના મસાલા ભરવાની સિઝન હાલમાં ચાલી રહી છે ત્યારે સિઝનના મરચાં, રાઇ, ધાણી, વરિયાળી સહિતના મસાલાઓમાં ભેળસેળની વ્યાપક ફરિયાદોના પગલે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ મસાલાઓની ચકાસણી માટે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે અને તેના ભાગરૂપે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ, 150 ફૂટ રિંગરોડ, લાતી પ્લોટમાં અને કોટેચા ચોકમાં ઓનેસ્ટની ફ્રેન્ચાઇઝી ધરાવતા મીત રેસ્ટોરન્ટમાંથી ઓનેસ્ટ ચીલી પાઉડરના નમૂના લઇ પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
મનપાની ફૂડ શાખાએ શ્રીરામ મસાલા માર્કેટમાં આવેલા ઠાકર મસાલા ભંડારમાંથી રાઇના કૂરિયા, શ્રીરામ મસાલા ભંડારમાંથી વરિયાળી, મેથીના કૂરિયા, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે આવેલા જય ખોડિયાર મસાલા બજારમાં આવેલા શ્રી યમુનાજી મસાલા ભંડારમાંથી ધાણી, જય સોમનાથ મસાલામાંથી જીરું, જે.કે.સ્પાઇસીસ અજમો, મીત રેસ્ટોરન્ટમાંથી ઓનેસ્ટ ચીલી પાઉડર, લાતી પ્લોટ-4માં શ્રીનાથ ટ્રેડીંગમાંથી હાથી ચીલી પાઉડર, હાથી ટર્મેરિક પાઉડર અને હાથી કોરિએન્ડર ક્યુમીન પાઉડરના નમૂના લીધા હતા.