રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગોળના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગની સ્પેશિયલ ડ્રાઇવ યોજવા આદેશ કરાતાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે શહેરની વિવિધ મુખ્ય બજારોમાં ગોળના દસ હોલસેલરને ત્યાં દરોડા પાડી સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં 10 વેપારીને ત્યાંથી ગોળના સેમ્પલ લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં પરાબજાર મેઇન રોડ પર ગોળ પીઠમાં આવેલા ગોકુલ ટ્રેડર્સમાંથી કોલ્હાપુરી ગોળ, જયદીપ ટ્રેડર્સમાંથી દેશી ડબ્બાનો ગોળ, અલીહુસૈન બદરુદ્દીન ભારમલને ત્યાંથી કોલ્હાપુરી ગોળ, ‘શ્રીજી’ શુદ્ધ દેશી ગોળ, કંદોઇ બજાર મેઇન રોડ પર અજયભાઇ ભરતભાઇ સોમૈયા સહિતના વેપારીઓને ત્યાંથી ગોળના નમૂના લઇ પરીક્ષણમાં મોકલાયા છે.
શ્રીરામ ફ્રૂટ એન્ડ કોલ્ડ્રીંક્સમાંથી 3 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો નાશ ન્યૂ જાગનાથમાં અભય એપાર્ટમેન્ટ ખાતે આવેલા શ્રીરામ ફ્રૂટ એન્ડ કોલ્ડ્રીંક્સમાં મહાનગરપાલિકાએ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 3 કિલોગ્રામ વાસી અખાદ્ય ફ્રૂટનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.