રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમ અને નાના પરિવારનાં લોકો પોતાનાં નાના-મોટા પ્રસંગોના આયોજન કરવા, સુવિધા માટે જુદા-જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલનુ નિર્માણ કરવામાં આવેલ છે પરંતુ ગત વર્ષના મે મહિનામાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ શહેરના ખાનગી અને સંસ્થાઓ સહિતના કોમ્યુનિટી હોલ ફાયર સેફટી માટે બંધ કરી દેવાયા હતા. આ બાદ કોર્પો.એ પોતાના લગ્ન હોલ પણ બંધ કરીને ફાયર સેફટી સિસ્ટમ મુકવાનું શરૂ કરતા ગત લગ્નગાળામાં લોકોને તેનો લાભ મળ્યો ન હતો. હવે 13 હોલ લોકોને પ્રસંગો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને બાકીના હોલમાં પણ મહિનાના અંતે બુકીંગ શરૂ થઇ જશે તેમ પદાધિકારીઓએ જાહેર કર્યુ છે.
કોમ્યુનિટી હોલના ઓનલાઇન બુકિંગ વેબ પોર્ટલ www.rmc.gov.in પર અથવા કોર્પો.ની મોબાઇલ એપ્લીકેશન મારફત કરી શકાશે. જેમાં સૌપ્રથમ ‘હોલ બુકિંગ’ સીલેક્ટ કરવું. હોલ બુકિંગમાં જઇ અરજદારે તેની પ્રાથમિક વિગત જેવી કે નામ, સરનામુ, મોબાઇલ નંબર, આઇ.ડી. કાર્ડ નંબર જેવી વિગતો દાખલ કરવી.ઓનલાઇન બુકિંગ સમયે અરજદારે ડિપોઝીટ રીફંડ માટે પોતાના બેન્ક ખાતાની વિગતો ભરવાની રહેશે (બેંક પાસબુક અથવા ચેકબુક સાથે રાખવી). અરજદારે દર્શાવેલ જેતે બેન્ક ખાતામાં એક માસ બાદ પરત જમા થશે. રીફંડ માટે માટે અરજદારે અલગથી કોઇ અરજી કરવી પડશે નહીં.