રાજકોટ મહાનગરપાલિકાના 2 અને 3 બીએચકેના ખાલી ફલેટનો ગત તા.26 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડ્રો કરાયો હતો, બાદમાં ખાલી પડેલા આવાસો માટે મનપાએ વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું છે. મનપાના પદાધિકારીઓએ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મનપાના EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં 50 ખાલી પડેલ આવાસનો કમ્પ્યુટરાઇઝ્ડ જાહેર ડ્રો યોજવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા અગાઉ ફોર્મ ચેકિંગ બાદ આવાસનો ડ્રો કરી ફાળવણી કરાઇ હતી.
આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરેલ અને ત્યારબાદ ફોર્મ ચેકિંગની કાર્યવાહી કરાઇ છે. આથી ડ્રો બાદ આવાસ મળેલ હોય એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેક્ટ ના થઇ જાય એ માટે અરજદારોની અરજી રિજેક્ટ કરતા પહેલાં એમને અપૂરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી.
શુક્રવારે રાજકોટ મનપાની વેબસાઈટ પર પ્રસિધ્ધ થનાર વેઇટિંગ યાદીમાં નામ ધરાવતા અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની અરજીની સ્થિતિ જાણી શકે છે. આ યાદીમાં સામેલ લિસ્ટમાં નામ ધરાવતા અરજદારો અપૂરતા આધાર- પુરાવાઓની પૂર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું તથા જરૂરી આધાર-પુરાવાઓ સાથે દિનાંક 25-7ના સાંજે 5.00 વાગ્યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકે છે.