રાજકોટ મહાનગરપાલિકાની ફૂડશાખાએ 3 સ્થળે સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી 28 કિ.ગ્રા. અખાદ્ય વાસીફૂડનો નાશ કર્યો હતો. તેમજ ત્રણેય પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ પર સદગુરુ તીર્થધામ, શોપ નં.50માં આવેલ “મુંબઈ ઝાયકા’ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ વગેરે મળીને અંદાજિત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સદગુરુ તીર્થધામ, શોપ નં.42માં આવેલ “P-GRILL” પેઢીમાં તપાસ કરતા એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ-ચટણી વગેરે મળીને અંદાજિત કુલ 10 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે આવેલા “HOT & SPICY” પેઢીમાં તપાસ કરતા એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ-ચટણી વગેરે મળીને અંદાજિત કુલ 6 કિ.ગ્રા. વસ્તુનો નાશ કરાયો હતો. આ ઉપરાંત મસાલાના વધુ 8 નમૂના લઇને લેબમાં મોકલાયા હતા.