રાજકોટની રાજનગર આવાસ યોજના જર્જરિત બની હોવાથી મનપા દ્વારા ક્વાર્ટર ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી હતી. જોકે, સ્થાનિકોએ ઘર ખાલી નહીં કરતા ગઈકાલે મનપા દ્વારા નળ કનેક્શન કાપી નંખાયા હતા. જેને લઈને આ ક્વાર્ટર્સમાં રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગઈકાલે સ્થાનિકોએ સમગ્ર મામલે મનપા કચેરી ખાતે દોડી જઇ સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆતો કરી હતી. આમ છતાં નળ કનેક્શન શરૂ નહીં કરવામાં આવતા આજે મ્યુ. કમિશ્નરનાં બંગલાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિવિધ સૂત્રોચ્ચાર કરી નળ કનેક્શન ચાલુ કરી જર્જરિત આવાસો ખાલી કરવાની મુદ્દત વધારવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકો અન્ય કોઈ વાત સાંભળવા તૈયાર નહીં હોવાથી પોલીસ દ્વારા દેખાવકર્તા તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ આજે રાજનગર આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા લોકો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશ્નરનાં બંગલા નજીક એકઠા થયા હતા તેમજ વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેને લઈને મનપા કમિશ્નરનાં બંગલા નજીક ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, સ્થાનિકો નળ જોડાણ ફરી ચાલુ કરી આ આવાસો ખાલી કરવા માટે વધુ મુદ્દત આપવાની માંગ ઉપર અડગ રહ્યા હતા. જેને પગલે તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઇ સમજાવટનાં પ્રયાસો કરાઈ રહ્યા છે.