MPના છિંદવાડામાં એક યુવકે તેના પરિવારના 8 સભ્યોની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાધો છે. આરોપીએ પહેલા તેની પત્નીને કુહાડીથી રહેસી નાંખી હતી, પછી તેની માતા-બહેન, ભાઈ-ભાભી અને બે ભત્રીજી અને ભત્રીજાની હત્યા કરી. કાકાના ઘરે ગયા બાદ તેણે 10 વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે જીવ બચાવીને ભાગી ગયો હતો. આ પછી લોકોએ પોલીસને જાણ કરી હતી.
આ ઘટના તામિયા તહસીલના માહુલઝિર પોલીસ સ્ટેશનના બોદલ કછાર ગામમાં બની હતી. ગઈ રાત્રે 2.30 વાગ્યે, આરોપીએ તેની પત્ની (23), માતા (55), ભાઈ (35), ભાભી (30), બહેન (16), ભત્રીજો (5), બે ભત્રીજી (4 અને દોઢ વર્ષ)ની હત્યા કરી નાખી. ઘટના બાદ ગામના લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એસપી મનીષ ખત્રીના જણાવ્યા અનુસાર, આરોપીના લગ્ન 21 મેના રોજ જ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. ભૂતકાળમાં હોશંગાબાદમાં પણ તેની સારવાર કરાઈ હતી. પોલીસને સવારે 3 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં લાશો પડી હતી, આરોપીની લાશ થોડે દૂર ઝાડ પર લટકતી હતી.