MPથી રાજકોટ દાદાના ઘરે આવેલી 5 વર્ષની બાળાને શ્વાને ગળા પર બચકાં ભરી ફાડી ખાધી

શાપર-વેરાવળમાં ચાર દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી દાદાના ઘરે રોકાવા માટે આવેલી પાંચ વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાતાં કમકમાટીભર્યું મોત થયું છે. સવારે બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો હતો. બાળકીની પછાડી દઇ ગળાના ભાગે બચકું ભરી લેતા તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

બાળકોને શ્વાનનો ડર હંમેશાથી સતાવતો હોય છે. એવામાં રખડતા શ્વાનો ડરી રહેલા બાળકોની પાછળ દોટ મૂકે છે ત્યારે ઘણી વખત દુર્ઘટના સર્જાય છે. એવો જ એક કિસ્સો શાપરમાં બન્યો છે. જેમાં શાપર-વેરાવળમાં ભૂમિ ગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સવારે વિરલ અંબુભાઇ વિણામા(ઉ.વ.5) નામની બાળા રમી રહી હતી. ત્યારે અચાનક શ્વાન ધસી આવ્યું હતું અને બાળા પર હુમલો કરતાં તે પડી ગઇ હતી.

આ પછી શ્વાને બાળાના ગળા પર બચકું ભરી લેતા બાળકીએ રાડારાડ કરી મૂકી હતી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઇ જતાં શ્વાન ત્યાંથી ભાગી ગયું હતું. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે શાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર લીધા પૂર્વે જ તેણીએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી.

વધુમાં મૃત્યુ પામનાર વિરલબેન બે બહેનમાં મોટી હતી. તેના પિતા મધ્યપ્રદેશમાં ખેત મજૂરી કરે છે. બાળકી ચાર દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી શાપર-વેરાવળ રહેતાં તેના દાદા મુકેશભાઇ ભુરાભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. ઘટનાસ્થળે દરરોજ શ્વાન રોટલી ખાવા આવતા હોય છે. મૃત્યુ પામનાર બાળા અન્ય સખી સાથે રમતી હતી ત્યારે રોટલી ખાવા દરરોજ આવતાં શ્વાનમાના એક શ્વાને જ બાળાને બચકું ભરી લીધું હતું.

રોજ કારખાને રોટલી ખાવા આવતા પાલતું શ્વાને જ બાળા પર હુમલો કરી જીવ લીધો શાપર-વેરાવળમાં ભૂમિ ગેટ નજીક કારખાના પાસે સહેલીઓ સાથે રમતી 5 વર્ષની બાળાને રોજ કારખાને રોટલી ખાવા આવતા શ્વાને ગળાના ભાગે બચકું ભરી લેતા બાળાનું કમકમાટીભર્યું મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. બનાવથી મૃતકના ઘરમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *