શહેરમાં જંગલેશ્વર પાસે મહેશ્વરી સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાના ઘેર કેરોસીન છાંટી સળગી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતાં ત્રણ પુત્રીની માતાને સંતાનમાં પુત્ર ન હોય આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ્વરી સોસાયટીમાં રહેતા સલમાબેન રફીકભાઇ હેરંજા (ઉ.37) એ પોતાના ઘેર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પીએસઆઇ ગોહિલ સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું અને પતિ રિક્ષાચાલક છે. પોલીસની વધુ તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં ત્રણ પુત્રી હોય પરંતુ પુત્ર ન હોય જેથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.