પુત્રના મોતનો બદલો લેવા માતાએ પૂર્વ પુત્રવધૂના ભાઈને પતાવી દીધો

રાજકોટની નજીક સરધાર પાસે સર ગામની સીમમાં શનિવારે(18 જાન્યુઆરી) બપોરે 3 વાગ્યાના અરસામાં યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક પોતાની માતાના ઓપરેશન માટે રામોદ જવા માટે સરધાર ગામેથી નીકળ્યા બાદ સર ગામે પહોંચ્યો હતો, ત્યારે તેને આંતરી ઉપરાછાપરી છરીના 8 ઘા શરીરના અલગ-અલગ ભાગોમાં મારી હત્યા નિપજાવવામાં આવી હતી.

પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ બદલો લેવાની ભાવના હોવાનું સામે આવ્યું હતું. તેમાં મૃતક યુવકની બહેનનાં પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉં.વ.50) સાથે બે સગીર આરોપીની સંડોવણી ખૂલી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સોનલબેનના પુત્ર અજયના તેની પત્ની જયશ્રી સાથે છૂટાછેડા થઇ જતા દોઢ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો, જેથી માતાએ એકનો એક પુત્ર ગુમાવતા પુત્રના વિયોગમાં મહિલાએ હત્યા કરવા નિર્ણય કર્યો હતો. અવારનવાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઇવ કરી બદલો લેવા રટણ કરતા હતા. જેથી ગત 18 જાન્યુઆરીએ પ્લાન બનાવી જયશ્રીના ભાઈની બેરહેમીપૂર્વક હત્યા નિપજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માતા તેના પુત્રના વિયોગમાં રહેતી હતી અને દીકરાની યાદમાં તેને હાથમાં તેના ફોટાવાળું ટેટૂ ત્રોફાવી મારો સાવજ લખાવ્યું હતું.

રાજકોટ શહેર એસીપી સાઉથ ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ગત તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ સર ગામ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે અંગે તપાસ કરતા આ લાશ સરધાર બસ સ્ટેન્ડમાં ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.32)ની હોવાનું સામે આવ્યું હતું. ગિરીશ પોતાની માતા લાભુબેનનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી ફોન પર માતા સાથે વાત કર્યા બાદ સરધાર ગામેથી રામોદ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં તેને આંતરી સર ગામ પાસે રોકી પેટમાં, માથામાં તેમજ હાથ સહિત શરીરના અલગ-અલગ ભાગમાં 8 ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી દ્વારા મૃતક યુવાન ગિરીશ ઉપર એટલો તીવ્રતાથી હુમલો કરવામાં આવ્યો હતો કે, તેના હાથની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી તો કાંડામાં ફ્રેક્ચર થયું હતું. સાથે સાથે છરીના ઉપરાછાપરી આઠ ઘાથી આંતરડાં પણ બહાર આવી ગયાં હતાં. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *