જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલી ટ્યુલિપ હોસ્પિટલમાં સારવાર લેતી વખતે અને સારવાર લીધા બાદ એક જ સપ્તાહમાં ત્રણ પ્રસૂતાનાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. એક જ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસૂતાનાં મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ત્રણેય મૃતક મહિલાનાં પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માણાવદર પોલીસ મથકે અલગ અલગ ચાર અરજી કરી છે. તો સામે ડોક્ટર આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે.
માણાવદર તાલુકાના જિંજરી ગામમાં રહેતા રાજગીરી મુળુગિરિ મેઘનાથીનાં પત્ની ધર્મિષ્ઠાબેન ગર્ભવતી હતાં એ સમયથી જ તેમની સારવાર માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં ચાલતી હતી. ત્યારે ધર્મિષ્ઠાબહેનને ડિલિવરીના સમયે પણ આ ટ્યુલિપ હોસ્પિટલમાં જ લાવવામાં આવ્યાં હતાં, જ્યાં ડો.જયદીપ ભાટુ અને ડો.દિશા ભાટુ દ્વારા તેમની ડિલિવરી કરવા માટે નિદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ડોક્ટર ભાટુએ ધર્મિષ્ઠાબેનના પતિને ધર્મિષ્ઠાબેનનું ઓપરેશન કરવા માટેનું કહ્યું હતું અને એક કાગળ પર ધર્મિષ્ઠાબહેનના પતિ રાજગિરિની સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ ધર્મિષ્ઠાબેને એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ જયદીપ ભાટુએ ધર્મિષ્ઠાબહેનને કોઈપણ તકલીફ ન હોવાનું જણાવ્યું હતું, પણ હોસ્પિટલમાં રોક્યાં હતાં. જોકે બે દિવસ બાદ અચાનક જ ધર્મિષ્ઠાબેનની તબિયત બગડતાં હોસ્પિટલમાં જ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યા હતી. બાદમાં ડોક્ટર ભાટુએ પરિવારને જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠાબેનને કમળો થયો છે, તેમને રાજકોટ લઈ જવા પડશે. ત્યારે રાજકોટ લઈ જતાં ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું.