જામનગર રોડ પર ઘંટેશ્વર પાસેની વર્ધમાનનગર સોસાયટીમાં શ્રીરામ બંગલોઝમાં રહેતા ધ્રુપતબા મહેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર લક્ષ્મીવાડીમાં રહેતો સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના પત્નીના અવસાન બાદ તે અલગ રહેતો હોય અને તેના સંતાનો એક પુત્ર અને એક પુત્રી તેની સાથે રહે છે અને એક પુત્રી તેના નાના-નાની સાથે રહેતી હોય અવાર-નવાર તેનો પુત્ર બાળકોને લઇ જવા માટે અને ખર્ચના પૈસા બાબતે આવી ઝઘડો કરતો હોય કંટાળી જઇ માતાએ પોતાના ઘેર ફિનાઇલ પી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે કાર્યવાહી કરી છે.
વર્ધમાનનગર સોસાયટીમાં શ્રીરામ બંગલોઝમાં રહેતા ધ્રુપતબા મહેન્દ્રસિંહ ઝાલા તા.21ના રોજ તેના ઘેર હતા ત્યારે તેનો પુત્ર સંજયસિંહ તેના ઘેર આવી પૈસા બાબતે તેના પિતા સાથે ઝઘડો કરી આવ્યો હોવાનું જણાવતા તેની માતાએ પિતા સાથે ઝઘડો કરવાની ના પાડી સમજાવતા તેના પુત્રએ તેના સંતાનોને લઇ જવાની જીદ કરી માતાને કારમાં બેસાડી મારકૂટ કરી મોબાઇલ ફેંકી દઇ મારી નાખવાની ધમકી આપી પડધરી પાસે ઉતારી નાસી ગયો હતો. બાદમાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સંજયસિંહની ધરપકડ કરી હતી.
બાદમાં જામીન પર છૂટી પુત્ર સંજયસિંહએ ફોન કરી મારા સંતાનો મને આપી દો કહી ફોનમાં ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માતાએ પુત્રના ત્રાસથી કંટાળી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે માતાની ફરિયાદ પરથી પુત્ર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.