શહેરમાં ભગવતીપરામાં બાઇક સ્લિપ થતા યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે યુવકના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભગવતીપરામાં રહેતો કૌશિક નવીનભાઇ પરમાર (ઉ.39) અને તેની સાથે રહેેતો તેનો મિત્ર સુનિલ બચુભાઇ ઝાલા (ઉ.25) બાઇક પર આંટો મારવા જતા હતા ત્યારે ઘર નજીક બાઇક સ્લિપ થતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુનિલનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસે તપાસ કરતા મૃતક ત્રણ બહેનોમાં એકનો એક ભાઇ હતો અને કાર સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હતો અને મિત્ર સાથે ફાકી ખાવા ગયો હતો અને આ બનાવ બન્યો હોવાનું તેના મિત્રએ જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં મૃતક સુનિલ એકાદ માસ પહેલાં જ તેના મિત્રના ઘેર રહેતો હોવાનું અને તાજેતરમાં જ તેના લગ્ન થયા હોવાનું તેના પરિવારે જણાવતા બી-ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી કરી છે.