શહેરમાં જામનગર રોડ પર ન્યારા ગામ પાસે એક્ટિવાને કારે ઠોકરે લેતા 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે દંપતીને ઇજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. જેમા ગંભીર રીતે ઘવાયેલી બાળકની માતાનું પણ સારવારમાં મોત નીપજ્યું છે.
પરાપીપળિયા ગામે હાથી મસાલા કંપનીમાં નોકરી કરતા પ્રહલાદભાઇ સોંડાભાઇ લકુમ (ઉ.40) તેની પત્ની પારૂલબેન (ઉ.33) અને તેનો પુત્ર પ્રિન્સ (ઉ.8) સોમવારે એક્ટિવા લઇને જામનગર રોડ પર હોટેલમાં જમવા ગયા હતા તે દરમિયાન જમીને ઘેર જતા હતા ત્યારે જામનગર રોડ ન્યારા ગામના પાટિયા પાસે બેકાબૂ કારે એક્ટિવાને ઠોકરે લેતા ત્રણેય ફંગોળાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં પ્રિન્સનું મોત નીપજ્યું હતું. દરમિયાન અકસ્માત બાદ કાર પણ રોડ નીચે ઉતરી જતા કારચાલકને પણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકનાં મોત બાદ સારવારમાં રહેલી અને ગંભીર રીતે ઘવાયેલી તેની માતા પારૂલબેનનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કારચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.