રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટનાં આદેશ મુજબ નવા પશુ નિયંત્રણ કાયદાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં રહેલા બધા પશુઓનું ટેગીંગ કરવાની કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં શહેરમાં 8 હજાર કરતા વધુ પશુઓ હોવાનું સામે આવ્યું છે. જોકે પશુઓને રસ્તા પર મૂકી દેવાનો પ્રતિબંધ હોવાથી રાજમાર્ગો પર રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો થયાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ અંગેની ફરિયાદોમાં મોટો ઘટાડો થયાનું જણાવાયું છે.
રાજકોટ મનપાનાં વેટરનરી ઓફિસર જાકાસણીયાએ જણાવ્યુ હતું કે, પશુ નિયંત્રણ કાયદાનાં કડક અમલ બાદ છેલ્લા વર્ષમાં રખડતા ઢોરના રજીસ્ટ્રેશન અને ટેગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી 100 ટકા પૂરી થઇ ચુકી છે. આજની તારીખે રાજકોટમાં પાલતુ પશુની સંખ્યા 8 હજાર કરતા વધુ છે. તેમાં સામાન્ય વધઘટ થતી હોય છે. નિયમોનો કડક અમલ થતા પશુઓના ત્રાસમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. અગાઉ રોજ 60થી 70 ફરિયાદ રહેતી હતી. હવે દૈનિક સરેરાશ 10થી 20 ફરિયાદ આવી રહી છે. અમુક શેરી-ગલીઓમાં માલિકીની જગ્યામાં પશુ રાખવામાં આવી રહ્યા છે, પરંતુ રોડ પર છોડવામાં આવે તો જપ્ત કરવાની ચેતવણી અપાય છે.
હાલ કોઠારીયા, રોણકી અને મવડીની એનિમલ હોસ્ટેલ ફુલ થઇ ગઇ છે. જ્યારે મોટામવા ખાતે નવી એનિમલ હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે. ઢોર ડબ્બામાં હવે સંખ્યા બહુ વધતી નથી. કારણ કે માલિકીના ઢોર મોટા ભાગે જે તે પશુ પાલકની જગ્યામાં છે અને બાકીના ઢોર ડબ્બા મારફત પાંજરાપોળને મોકલી આપવામાં આવે છે. જેને લઈને રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે ઘટ્યો છે. જોકે અમદવાદની જેમ રાજકોટમાં શ્વાનનાં રજીસ્ટ્રેશન અંગેની કોઈ કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો નથી.