શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શાળા-કોલેજમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો અંગેનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અગાઉ 100થી વધુ શાળાઓ સીલ કર્યા બાદ હવે કોલેજમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજકોટની કેટલીક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજ પણ ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી છે. 8થી વધુ કોલેજ સીલ કરી દેવાતા આગામી 20મીથી શરૂ થનારી 20 હજારથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલાવી પડી છે. હવે 20 જૂનથી શરૂ થનારી બી.એ., બી.કોમ. સહિતના સેમેસ્ટર-2ના કોર્સની પરીક્ષા 27 જૂનથી શરૂ કરવા યુનિવર્સિટી દ્વારા પણ સત્તાવાર પરિપત્ર કરીને જાહેરાત કરી દેવામાં આવી છે.
યુનિવર્સિટીએ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોલેજમાં તા.20-06-2024થી શરૂ થતી પરીક્ષાનું આયોજન હવેથી તા. 27-06-2024ના રોજ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવવાનું કે કોલજમાં આરએમસીના ફાયર એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જે રૂલ્સ અને રેગ્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. તે કોલેજ-સંસ્થાએ ફાયર એન્ડ સેફ્ટીના રૂલ્સ રેગ્યુલેશનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનું કેન્દ્ર આપની કોલેજ હોય 27મીથી શરૂ થતી પરીક્ષા પહેલાં સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. અન્યથા પરીક્ષા દરમિયાન જે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તે અંગેની કોલેજ-સંસ્થાની જવાબદારી રહેશે.